નવજીવન સંસ્થા વિશે :
ગાંધીજી દ્વારા સ્થાપિત નવજીવન ટ્રસ્ટનો તેના પ્રારંભકાળ (7 સપ્ટેમ્બર, 1919)થી જ પત્રકારત્વ સાથે નિકટનો સંબંધ રહ્યો છે. 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હંમેશ માટે હિંદુસ્તાન પાછા ફર્યા ત્યારે દેશમાં ચાલી રહેલી સ્વતંત્રતાની ચળવળ અંગે જાગૃતિ આણવા તેમને એક ગુજરાતી ભાષાના સામયિકની જરૂરિયાત વર્તાઈ. એ જરૂરિયાતની આપૂર્તિ તરીકે ગાંધીજીએ ‘નવજીવન’નો પ્રારંભ કર્યો. આઝાદીની લડત દરમિયાન શરૂ થયેલા ‘नवजीवन’ સામયિકનાં પાનાં અનેક ઐતિહાસિક ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે; અને તેના દ્વારા ગાંધીજી પોતાના વિચાર રજૂ કરતા રહ્યા. ‘नवजीवन’ સામયિકનો પત્રકારત્વનો કાર્યકાળ આશરે દોઢ દાયકાનો રહ્યો તેમાં જે પત્રકારત્વ થયું તે પ્રજાલક્ષી રહ્યું.
સમય જતાં નવજીવનનું કાર્ય વિસ્તરતું ગયું અને તેમાં પુસ્તક-પ્રકાશનની કામગીરીનો પણ સમાવેશ થયો. પ્રકાશનની આ કામગીરી અંતર્ગત ‘નવજીવન’ સામયિકે ગાંધીજી સહિત, કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, મહાદેવભાઈ દેસાઈ, જવાહરલાલ નેહરુ, પ્યારેલાલ, સુશીલા નૈય્યર, નરહરિ પરીખ જેવાં મહાનુભાવોનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં; અને આજે પણ ગાંધીજી અને તેમના સહસાધકોના સાહિત્યના પ્રચાર-પ્રસારની કામગીરી નવજીવન પ્રકાશન મંદિર દ્વારા અવિરત ચાલી રહી છે. નવજીવન ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં અત્યાર સુધી 2000થી વધુ પુસ્તકો પ્રકાશિત કરી ચૂક્યું છે, જેમાં ગાંધીજીની આત્મકથાના દેશની 17 ભાષાના અનુવાદ પણ સામેલ છે.
નવા સમયે નવાં સાહસ :
ગાંધી સાર્ધશતાબ્દીની ઉજવણી સાથે નવજીવનનું પણ આ શતાબ્દી વર્ષ છે. આ પ્રસંગે નવજીવન પત્રકારત્વ સાથેનો પોતાનો નાતો વધુ ગાઢ બનાવવા ઇચ્છે છે. આ દિશામાં પ્રથમ કદમ માંડતાં વર્ષ 2018થી નવજીવને સાબરમતી જેલના બંદીવાનોને પત્રકારત્વનું શિક્ષણ આપવાની શરૂઆત કરી છે. આ કૉર્સ અંતર્ગત બંદીવાનોને પ્રૂફરીડિંગ અને પત્રકારત્વનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ કૉર્સની સફળતા બાદ નવજીવને હવે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઇચ્છતા લોકો માટે નવી તક પૂરી પાડવા ‘સ્કૂલ ઑફ જર્નાલિઝમ’નો આરંભ કર્યો છે.
ઉદ્દેશ :
મુખ્ય ધારાનાં માધ્યમો જે રીતે વિસ્તરી રહ્યાં છે, તેમાં સમજદારીપૂર્વક, જમીની સ્તરની વાસ્તવિક સ્થિતિનું નિરૂપણ કરી આપવાનું અને નાગરિક-ઘડતરની ભૂમિકા તૈયાર કરવાનું કાર્ય આ કૉર્સનું રહેશે. બારમું ધોરણ પાસ થનાર કોઈ પણ વ્યક્તિ ઉંમરના કોઈ બાધ વિના આ કૉર્સમાં પ્રવેશ મેળવી શકશે. વિદ્યાર્થીઓને મુખ્ય ધારાનાં માધ્યમોનું પ્રાયોગિક શિક્ષણ મળે તે આ અભ્યાસક્રમની પ્રાથમિકતા રહેશે.
માળખાકીય સુવિધા
- વર્ગખંડ : જિતેન્દ્ર દેસાઈ હોલમાં વર્ગો લેવાશે, જ્યાં એટેચ વોશરૂમ છે અને પીવાના પાણીની વ્યવસ્થા પણ છે.
- લાઇબ્રેરીની વ્યવસ્થા : પુસ્તકાલય એ પત્રકારત્વના ક્ષેત્રે પાયાની જરૂરિયાત છે. આ જરૂરિયાતને પહોંચી વળે એવી વિશાળ લાઇબ્રેરી નવજીવન પ્રકાશન સંસ્થા ધરાવે છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ કર્મ કાફેનો પણ રીડીંગ-પ્લેસ તરીકે ઉપયોગ કરી શકશે. અહીંયાથી વિદ્યાર્થીઓ પુસ્તક ઇશ્યૂ પણ કરાવી શકશે.
- કમ્પ્યૂટર અને ડિજિટલ સંસાધનો : વર્તમાન સમયે ટેલિવિઝન, કમ્પ્યૂટર, ઇન્ટરનેટ, ડિજિટલ કેમરા, પ્રોજેક્ટર વગેરે પત્રકારત્વના અભ્યાસક્રમ માટે અનિવાર્ય થઈ ચૂક્યાં છે. નવજીવન આ તમામ સંસાધનો ઉપરાંત ડિજિટલ કેમેરા અને વિડિયો રેકોર્ડિંગની સામગ્રી પણ નવજીવન વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવી શકશે.
- કેન્ટિનની વ્યવસ્થા : નવજીવન પરિસરમાં આવેલી કેન્ટિન વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ માટે કર્મકાફે જેવી જગ્યા પણ છે, જ્યાં પણ વિદ્યાર્થીઓ આહાર અર્થે જઈ શકશે. આ બંને સ્થળે વિદ્યાર્થીઓને વાજબી ભાવે નાસ્તો ઉપલબ્ધ રહેશે.
- ઇન્ટર્નશીપ : નવજીવનમાં પત્રકારત્વનો કોર્સ કરનારાં તમામ વિદ્યાર્થીઓ ન્યૂઝ પોર્ટલ ‘નવજીવનન ન્યૂઝ’માં ઇન્ટર્નશીપ કરી શકે છે. મુખ્ય ધારાના અખબારો, ન્યૂઝ ચેનલ, સામયિક અને ન્યૂઝ પોર્ટલમાં પણ વિદ્યાર્થીઓને યથાયોગ્ય અનુભવ મળે તે માટે નવજીવન દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે.
નવજીવન સંસ્થાનું જ મુખપત્ર ‘नवजीवनનો અક્ષરદેહ’માં પણ વિદ્યાર્થીઓને શિખવા અને સામયિકની પૂરી પ્રક્રિયા જોવાનો પૂરતો અવકાશ રહેશે. સાબરતમી જેલના બંદીવાનો દ્વારા ‘સાદ’ મેગઝિન પ્રકાશિત થાય છે; તેનું પણ ટાઈપિંગ, લે-આઉટ ને પ્રિન્ટિંગ કામ નવજીવનમાં થાય છે, તેનો પણ લાભ વિદ્યાર્થીઓને મળશે.
નવજીવનનું જમા પાસું સો વર્ષનો પ્રકાશનનો અનુભવ છે અને સાથે સાથે નવજીવન પાસે પ્રેસ પણ છે. નવજીવનના આ ઐતિહાસિક પ્રેસની મુલાકાત લેવા માટે આજે પણ રાજ્યના અને રાજ્ય બહારના પત્રકારત્વના વિદ્યાર્થીઓ આવે છે. તે રીતે અહીંના વિદ્યાર્થીઓને તે અનુભવ સતત મળતો રહેશે. નવજીવનમાં હવે અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા પુસ્તક પ્રકાશનનું કાર્ય આગળ ધપી રહ્યું છે, જેમાં ઇ-બુક અને પ્રિન્ટ ઓન ડિમાન્ડનો પણ સમાવેશ થાય છે.