નવજીવન સંસ્થા વિશે :
ગાંધીજી દ્વારા સ્થાપિત નવજીવન ટ્રસ્ટનો તેના પ્રારંભકાળ (7 સપ્ટેમ્બર, 1919)થી જ પત્રકારત્વ સાથે નિકટનો સંબંધ રહ્યો છે. 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હંમેશ માટે હિંદુસ્તાન પાછા ફર્યા ત્યારે દેશમાં ચાલી રહેલી સ્વતંત્રતાની ચળવળ અંગે જાગૃતિ આણવા તેમને એક ગુજરાતી ભાષાના સામયિકની જરૂરિયાત વર્તાઈ. એ જરૂરિયાતની આપૂર્તિ તરીકે ગાંધીજીએ ‘નવજીવન’નો પ્રારંભ કર્યો. આઝાદીની લડત દરમિયાન શરૂ થયેલા ‘नवजीवन’ સામયિકનાં પાનાં અનેક ઐતિહાસિક ઘટનાઓનાં સાક્ષી રહ્યાં છે; અને તેના દ્વારા ગાંધીજી પોતાના વિચાર રજૂ કરતા રહ્યા. ‘नवजीवन’ સામયિકનો પત્રકારત્વનો કાર્યકાળ આશરે દોઢ દાયકાનો રહ્યો તેમાં જે પત્રકારત્વ થયું તે પ્રજાલક્ષી રહ્યું.

પ્રશાંત દયાળ
ગુજરાતી પત્રકારત્વમાં પ્રશાંત દયાળનું નામ જાણીતું છે. તેઓએ ત્રણેક દાયકાથી ગુજરાતી પત્રકારત્વને પોતાના રિપોર્ટિંગથી ધબકતું રાખ્યું છે, હજુ પણ રાખે છે. હાલમાં તેઓની રોજબરોજની સ્ટોરીઝ જોવાનું ઠેકાણું ‘નવજીવન ન્યૂઝ' ન્યૂઝ પોર્ટલ છે. આ સાથે તેઓ નવજીવન ટ્રસ્ટ સાથે સંકળાયેલાં છે અને સાબરમતી જેલના બંદીવાનો અર્થે વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે, તેમાંનો એક અદ્વિતિય લાગતો કાર્યક્રમ બંદીવાનોને પત્રકારત્વનો અભ્યાસ કરાવવાનો છે, જેની અત્યાર સુધી પાંચ બેચ થઈ છે અને તેમાં 150 જેટલાં બંદીવાનોએ પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે.
પ્રશાંતભાઈ ઘટનાઓના માણસ છે. ગુનાખોરીની દુનિયામાં તેઓએ કરેલું રિપોર્ટિંગ સિમ્હાચિન્હરૂપ છે. ગુજરાતના ફેક એન્કાઉન્ટર હોય કે સાબરમતી જેલની સુરંગ કાંડ કે હાલની ડિપીએસ સ્કૂલનું રિપોર્ટિંગ તેઓ સત્યને સામે લાવવા સતત મથતાં રહ્યાં છે અને તે માટે જાતને જોખમમાં મૂકતા રહ્યા છે. આવી ઘટનાઓમાંથી જ પ્રેરણાદાયી કહી શકાય તેવી ‘જીવતી વારતા' નામે એક સિરીઝ ગુજરાતી વાચકોને મળી, જે સિરીઝનો વાચક વર્ગ આજે પણ તે જીવાતી વારતાઓને યાદ કરે છે. આવી તો અનેક ઘટનાઓ છે, જેનાથી પ્રશાંત દયાળ નામનું એક વ્યક્તિત્વ ઉભરે છે. તેઓને વધુ નજીકથી જાણવા હોવ તો તેમણે લખેલી ‘હું પ્રશાંત દયાળ’ વાંચવી રહી.